- કેન્દ્ર સરકારના બજેટ વિશે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આકરી આલોચના
-
ગરીબો-ખેડૂતો-મહિલાઓ-યુવાનો-દલિતોના આશા-અરમાનો રોળાઇ ગયા
-
કોંગ્રેસ શાસિત યુપીએ સરકારનું ગુજરાત વિરોધી માનસ ગુજરાતના મેન્યુફેકચરીંગ સેકટર, કાપડ ઉદ્યોગ, જેમ્સ જવેલરી સહિતના ક્ષેત્રોને મરણતોલ ફટકો પડશે
-
મોંઘવારીમાં રાહત આપવાને બદલે મુસિબતો વધારીને સામાન્ય માનવીને દાઝયા ઉપર ડામ દેતું બજેટ
-
કરોડો સામાન્ય જનતાનો મિજાજ વિફરે તેવો વિશ્વાસભંગ યુપીએ સરકારે કર્યો છે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસદમાં રજૂ થયેલા યુપીએ સરકારના વાર્ષિક અંદાજપત્રને સંપૂર્ણપણે ગરીબ અને સામાન્ય જનવિરોધી બજેટ ગણાવ્યું છે. ૅઆ બજેટ ગરીબ વિરોધી, ખેડૂતોવિરોધી, મહિલાવિરોધી, યુવાવિરોધી અને દલિતવંચિત વિરોધી તો છે જ પરંતુ વિશેષ કરીને ગુજરાતવિરોધી માનસિકતાથી તૈયાર થયેલું હોય તેમ જણાય છેૅ તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આકરી આલોચના કરતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૧મી સદીમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના દૂરોગામી દ્રષ્ટિવંત આયોજનનો સદંતર અભાવ આ બજેટમાં સાર્વત્રિક દેખાય છે જ એટલું જ નહીં, ગરીબો અને સામાન્ય માનવીને કોઇપણ પ્રકારની રાહતને બદલે પેટ્રોલડીઝલના ભાવો વધારવાની રાતોરાત જાહેરાત કરીને, ગરીબ માનવીને દાઝયા ઉપર ડામ દેવાનો વિકૃત સંતોષ, કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર લઇ રહી છે. સામાન્ય માનવીને વિકાસમાં ભાગીદાર બનાવવાને બદલે, તેની હાડમારી અને મૂશીબતોમાં જ વધારો કરીને તેના આશા અરમાનોને રોળી નાંખવાનું પાપકર્મ, યુપીએ સરકારે શાસનમાં બેસીને કર્યું છે.
આ બજેટ, ખાસ કરીને ગુજરાત જેવા દેશના અર્થતંત્રને સંગીન બનાવવામાં નિર્ણાયક ફાળો આપી રહેલા રાજ્ય માટે, તો યુપીએ સરકારની ગુજરાતવિરોધી માનસિકતાનું પ્રતિબિમ્બ પાડે છે એવો આક્રોશ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રની મુખ્ય ભૂમિકા છે અને તેની પ્રગતિ થકી દેશના અર્થતંત્રને ફાયદો થયો છે છતાં ગુજરાત વિરોધી માનસ રાખીને, મેન્યુફેકચરીંગ સેકટર ઉપર સેન્ટ્રલ એકસાઇઝ ડયુટીમાં વધારો કરીને ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર નવી આફત ઉભી કરી છે.
ઉપરાંત, ગુજરાતનો કાપડટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સમૃધ્ધિનો સો વર્ષનો ઇતિહાસ ધરાવે છે તેને જીવલેણ ફટકો મારવામાં આવ્યો છે. ગયા વર્ષે હીરા ઉદ્યોગના વિકાસની ખોટી નીતિઓના કારણે, સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગને મરણતોલ બનાવી દીધો હતો એના ઘા હજુ તાજાં છે ત્યાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રહેસી નાંખવાનું આ ષડયંત્ર નથી તો બીજું શું છે? એવો સવાલ ઉઠાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે યુપીએ સમર્થિત રાજ્ય તામીલનાડુમાં તીરૂપુરમાં હોઝીયરી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને માટે પોલ્યુશન કંટ્રોલ માટે રૂા. ર૦૦ કરોડનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના ૬૦ જેટલા હયાત અને નવા ઔદ્યોગિક પ્રોજેકટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપવા ધરાર ઇન્કાર કરીને પ્રતિબંધ મૂકી દીધો છે. સોના અને ચાંદીની સેન્ટ્રલ ઇમ્પોર્ટ ડયુટી વધારીને તો, ગુજરાત જેવા રાજ્યના જેમ્સ એન્ડ ગોલ્ડસિલ્વર જવેલરીના ક્ષેત્રના વિકાસને જ રોળી નાંખવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં જેમ્સ એન્ડ જવેલરીનું ક્ષેત્ર ખૂબ ઝડપથી રોજગારીના ઉદ્યોગ તરીકે વિકસી રહયું છે અને ગુજરાત જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવીને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા સક્રિય બન્યું છે ત્યારે જ, આ વિકસી રહેલા ક્ષેત્રનું બાળમરણ થાય તેવું હિચકારૂં કૃત્ય કર્યું છે એવો સ્પષ્ટ આક્ષેપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે સ્વર્ણિમ જયંતી વર્ષ માટે ગોવાના બીચ ડેવલપમેન્ટના ગ્રીન પ્રોજેકટ માટે રૂા. ર૦૦ કરોડના ખાસ પેકેજની લ્હાણી થાય છે. પરંતુ ગુજરાત જે ૧૬૦૦ કી.મી.નો વિશાળ સમૂદ્રકિનારો ધરાવે છે અને દેશના વિશ્વવેપારનું ધમધમતું પ્રવેશદ્વાર બની શકે તેમ છે તેના માટે કે સ્વર્ણિમ જયંતી વર્ષ માટે ગુજરાત યાદ કેમ આવતું નથી?
મુખ્યમંત્રીશ્રીએ કૃષિક્ષેત્રના વિકાસ માટેની જ નહીં પણ, ફૂડ સિકયોરિટી આપવા માટેની રાજકીય ઇચ્છાશકિતના અભાવનો યુપીએ સરકારની ઉપર સીધો આક્ષેપ કરતાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે ભારતનો વૃધ્ધિ દર ર ટકા છે ત્યારે કૃષિ ઉત્પાદકતાના પેકેજ રૂપે આવડા મોટા દેશના કરોડો ખેડૂતો માટે માત્રને માત્ર રૂા. ૩૦૦ કરોડની આખા દેશ માટે બજેટમાં જોગવાઇ કરીને યુપીએ સરકારે પોતાની દ્રષ્ટિહિનતાનું જ પ્રદર્શન કર્યું છે. ગુજરાત સરકારની લાખો ખેડૂતોને ઉપકારક એવી સોઇલ હેલ્થ કાર્ડની સફળ યોજનાનો ભારત સરકારે તેના બજેટમાં સ્વીકાર કરીને રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ કર્યો છે પરંતુ ગુજરાત સરકારને સોઇલ હેલ્થ કાર્ડ અંગે કોઇ કેન્દ્રીય મદદ આપી નથી.
તેમણે જણાવ્યું કે સીમેન્ટ, સ્ટીલ જેવી બાંધકામ નિર્માણની વસ્તુઓ ઉપરના અપ્રત્યક્ષ વેરાના ભારણથી, તેના વધતા ભાવોની સીધી માઠી અસરનો ભોગ પણ ગુજરાત જેવું વિકાસની હરણફાળ ભરી રહેલું રાજ્ય બનવાનું છે. પેટ્રોલડિઝલમાં ડયુટી વધારવાની સાથે જ તેની સાર્વત્રિક અસરો સામાન્ય માનવીના જીવન વ્યવહાર ઉપર પડવાની છે અને મોંઘવારી ડામવામાં તો કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારની કાયમી લાચારી જ આ બજેટમાં પણ વર્તાય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગયા પાંચ વર્ષોમાં સામ્યવાદી પક્ષોના સમર્થનથી સત્તા સુખ ભોગવતી કોંગ્રેસ સરકારે કોઇપણ પ્રકારના આર્થિક ક્ષેત્રના સુધારા માટે ડાબેરી સાથી પક્ષોનો વાંક કાઢયો હતો પરંતુ આ વખતે ફાઇનાન્સીયલ સેકટર રિફોર્મ્સ કરવા માટે કોણે રોકયા છે તેવો સવાલ ઉઠાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર બજેટમાં દેશના આર્થિકસામાજિક ક્ષેત્રના ગૂણાત્મક પરિવર્તન માટે કે કૃષિ, રોજગાર, ગ્રામવિકાસ, યુવાશકિત વિકાસ, મહિલા સશકિતકરણના કોઇ જ પ્રકારના વિઝનરી એકશન પ્લાનનો સદંતર અભાવ આ બજેટમાં દેખાય છે. જે કોઇ જોગવાઇઓ થઇ છે તે હાલની પ્રવર્તમાન યોજનાઓનું માત્ર ફાઇનાન્સ રિપેકેજીંગ જ છે.
કેન્દ્રીય નાણામંત્રીશ્રીએ ફિસ્કલ ડેફિસીટ પ.પ ટકા રહેશે એવું જણાવીને દેશને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જૂદા જૂદા વિભાગોની સબસીડી યોજનાઓને બજેટ પ્રોવિઝન તરીકે મૂકી છે પરંતુ તેની અબજો રૂપિયાની રકમ કેટલી થશે તેની કોઇ જાણકારી અનુભવી નાણામંત્રી પાસે પણ નથી એવું જણાઇ આવે છે.
એકંદરે, કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે કેન્દ્રીય બજેટમાં ગરીબ, સામાન્ય જનસમૂદાય, મહિલા, કિસાન, યુવા વર્ગ સૌના સપના રોળી નાંખ્યા છે અને ભારત જેવા દેશની ૧૦૦ કરોડની વિશાળ જનશકિતને વિકાસમાં ભાગીદાર બનાવવાનું પ્રોત્સાહન આપવાને બદલે, તેની મુસિબતોમાં વધારો કરીને કરોડો સામાન્ય જનના ભરોસાને છેહ દીધો છે. દેશના સામાન્ય જનસમૂદાયના મિજાજનો પરચો યુપીએ સરકારને તેના આ બજેટથી મળી જશે એવી ચેતવણી પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે.