યુવા નારીશકિત
- સમગ્ર દેશમાં આંગણવાડી અને તેની કાર્યકર્તા બહેનોની સામાજિક ઉપેક્ષાને બદલે ગૌરવ પ્રતિષ્ઠા અપાવવાની પહેલ ગુજરાતે કરી...
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રકચ્છની નારીશકિતનું ગૌરવ કરતા મુખ્યમંત્રીશ્રી
- આઠ જિલ્લાઓની નારીશકિતનું મહિલા સંમેલન રાજકોટમાં યોજાયું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની યુવા નારીશકિતને સ્વર્ણિમ જ્યંતી વર્ષ દરમિયાન સમાજસેવા માટે ૧૦૦ કલાકના સમયદાન આપવાનું આહ્વાન કર્યું હતું. રમતગમત ક્ષેત્રે ગુજરાતને યશસ્વી નામના અપાવનારી રમતવિરાંગનાઓએ જે રીતે ખેલકૂદ ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે એમ સેવાપ્રવૃત્તિમાં પણ ૧૦૦ કલાકનું સુનિશ્ચિત સમયદાન કરીને યુવા નારીશકિત પોતાનું સામર્થ્ય બતાવશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઆઠમી માર્ચ નિમિત્તે રાજ્યની નારીશકિતનું ગૌરવ કરવા યોજાઇ રહેલા ચાર મહિલા સંમેલનોનંુ બીજુ મહિલા સંમેલન આજે રાજકોટમાં યોજવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રકચ્છના આઠ જિલ્લાઓ રાજકોટ જિલ્લો અને શહેર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની મહિલાશકિતને માતા યશોદા એવોર્ડ તથા મહિલા ખેલાડી એવોર્ડ અને સ્કોલરશીપ સહિત અને મહિલા કલ્યાણની યોજનાઓના સહાયક લાભો આપીને મહિમાવંત કરવામાં આવી હતી. એકંદરે ૧૦૮૮ મહિલા લાભાર્થીઓનો આ ગૌરવસહાય સમારોહ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ સર્વશ્રી આનંદીબેનપટેલ તથા ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ મહિલા સંમલનોની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની આવતીકાલને ઘડવા માટેની માનવવિકાસના પારણામાં લાલનપોષણ કરનારી આંગણવાડીની સામાજિક મહિમાવંત પ્રતિષ્ઠાની નેમ વ્યકત કરી હતી. આંગણવાડીને નંદઘરની પ્રતિષ્ઠા અને કાર્યકર્તા બહેનને માતા યશોદાનું ગૌરવ આપીને ગુજરાતે, આખા દેશમાં અપાતા એવોર્ડઝની શ્રેણીમાં અનોખા એવા માતા યશોદા એવોર્ડની શરૂઆત કરી છે. આજે નહીં તો કાલે એવો સમય આવવાનો છે જેની આવતીકાલના હિન્દુસ્તાનના નિર્માણની ચિન્તા છે તે સૌને માટે માતા યશોદાના એવોર્ડની નોંધ લીધા વગર ચાલશે નહી. ગ્રામ્યસ્તરે છેવાડાની સરકારી વ્યવસ્થાના ઉપેક્ષિત રહેલા ક્ષેત્ર તરીકે આંગણવાડીને ગૌરવ અપાવવાનું દિશાદર્શન ગુજરાતે બતાવ્યું છે, ગરીબવંચિત ગ્રામીણ બાળકોમાં સંસ્કારનું સિંચન કરનારી આંગણવાડી બહેનો સાચા અર્થમાં ભૂલકાં સમાન નંદકિશોરીનું સંસ્કાર ઘડતર કરવામાં માતા યશોદાનું મમતાવાત્સલ્યરૂપ પ્રગટાવી રહી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનારી યશસ્વી મહિલા ખેલાડીઓને પુરસ્કારો અને સ્કોલરશીપ એનાયત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતની મહિલાશકિતએ ખેલકૂદ ક્ષેત્રે પણ પોતાના સામર્થ્યના દર્શન કરાવ્યાં છે.
સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતના યુવકયુવતિઓ સમાજ માટે વર્ષના ૧૦૦ કલાકની સેવાનું સમયદાન આપે તેવું આહ્વાન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાશકિતને પોતાનું સેવાનું સામર્થ્ય બતાવવા અનુરોધ કર્યો હતો.
ગામેગામ ગુજરાતની મહિલા શકિત સો કલાકની સેવા માટેના સમયદાનનો સંદેશો પહોંચાડે એવી અપીલ તેમણે કરી હતી.
ગુજરાત ભૂતકાળના બધા જ ખેલકૂદના વિક્રમો તોડીને નવા કિર્તીમાન સ્થાપે તે માટે મહાખેલકુંભ યોજાશે તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસૂલ તેમજ મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ૧૯૬૦ પછી સૌપ્રથમ વખત ર૦૦૧ના વર્ષમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગની રચના કરી છે જેને પરિણામે છેલ્લા આઠેક વર્ષમાં મહિલા અને બાળકલ્યાણ ક્ષેત્રે વિકાસયાત્રા વેગીલી બની છે. વર્ષો સુધી મહિલા અને બાળકલ્યાણ ક્ષેત્રે ઉદાસિનતાનું વાતાવરણ હતું તે ચિત્ર હવે બદલાયું છે. આંગણવાડીનું સંચાલન કરતી બહેનોને પુરસ્કાર તથા માતાયશોદા એવોર્ડ આપવાની યોજના હેઠળ રૂા. ૧ કરોડ ૬ લાખ અર્પણ થશે. આંગણવાડીઓમાં ગેસ, કુકર વગેરે સુવિધા આપવા રૂા. પ૦ કરોડની જોગવાઇ કરી છે એમ તેમણે જણાવ્યું હતું. આ વર્ષના બજેટમાં રૂા.૪૦૦/ કરોડની જોગવાઇ આંગણવાડીઓમાં તમામ સુવિધાઓ અને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અધિકારિતા તથા રમતગમત મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે ૮ મી માર્ચનો દિવસ એટલે વિશ્વ મહિલા દિન સંદર્ભે મહિલા વિકાસની જુદી જુદી યોજનાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને એવોર્ડથી બિરદાવવાનો આ કાર્યક્રમ છે.
મહિલા વિકાસ માટે રાજ્ય સરકારે અનેક મહિલા ઉત્કર્ષની યોજના અમલી બનાવી છે. તેમાં રમતવીર મહિલાઓને પણ પ્રોત્સાહિત કરવા રાજ્યની ૧૮ર૯ મહિલા રમતવીરોને ૭૯,૭૭,૬૦૦ની સ્કોલરશીપ તથા ૬૩૬ મહિલા રમતવીરોને રૂા. ર૭,૬૪,૪૦૦ ના ઇનામો અર્પણ કરાયા છે, મહિલા રમતવીરોના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. આ ઉપરાંત રાજ્યની ૮ર૪ર મહિલાઓને રૂા. ૩ કરોડ ૬૦ લાખની સ્કોલરશીપ રાજ્ય સરકારે ચૂકવી છે.
આ મહિલા સંમેલનમાં સંસદ સભ્યશ્રી વિજ્યભાઇ રૂપાણી, ધારાસભ્યો સર્વશ્રી મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, શ્રીમતિ જશુબેન કોરાટ, કાન્તિભાઇ અમૃતિયા, ભાનુબેન બાબરીયા, પ્રવિણભાઇ માંકડીયા, વિભાવરીબેન દવે, રાજકોટના મેયરશ્રી સંધ્યાબેન વ્યાસ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતનાં પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા અને બાળકલ્યાણ વિભાગના કમિશ્નર શ્રીમતિ સુનયના તોમરે પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને માતૃશકિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતી.